તમે મન મૂકી વરસો, ઝાપટું આપણને નહીં ફાવે,
અમે હેલીના માણસ, માવઠું આપણને નહીં ફાવે.

કહો તો માછલીની આંખમાં ડૂબકી દઈ આવું,
પરંતુ છીછરું ખાબોચિયું, આપણને નહીં ફાવે.

તું નહીં આવે તો એ ના આવવું પણ ફાવશે અમને,
ઘરે આવી, તારું પાછું જવું, આપણને નહીં ફાવે.

વફાદારીની આ ધગધગતી તાપણીઓ બુઝાવી દો,
સળગતું દિલ, દઝાતું કાળજું આપણને નહીં ફાવે.

તને ચાહું, ને તારા ચાહનારાઓને પણ ચાહું?
તું દિલ આપી દે પાછું, આ બધું આપણને નહીં ફાવે.

તમાચો ખાઈ લઉ ગાંધીગીરીના નામ પર હું પણ,
પણ આ પત્નીને બા સંબોધવું, આપણને નહીં ફાવે.

ખલિલ, અણગમતાને ગમતો કરી લેવું નથી ગમતું,
ભલે તમને બધાને ફાવતું, આપણને નહીં ફાવે.

-ખલીલ ધનતેજવી

Post a Comment

0 Comments

Skip to main content