ભિક્ષા દે ને મૈયા પિંગળા, જોગી ઉભો તારે દ્વાર….મૈયા પિંગળા… ભિક્ષા દે ને મૈયા પિંગળા…. ભેખ રે ઉતારો રાજા ભરથરી…(૨) હૈયું કરે છે પોકાર…રાજા ભરથરી… ભેખ રે ઉતારો રાજા ભરથરી… કેમ રે જોવાશે ભેખ તમારો, ખાવું ઝેર કટાર…હો…(૨) કેસર-ચંદન છોડીને રાજા…(૨) ધર્યો કાં ભભૂત અવતાર…રાજા ભરથરી… ભેખ રે ઉતારો રાજા ભરથરી… લખ્યું જે લલાટે તે મિથ્યા ન થાતું, કરનારો કિરતાર…હો…(૨) કંચન-શી કાયા તો રાખ થવાની…(૨) શોભે નહીં શણગાર…મૈયા પિંગળા… ભિક્ષા દે ને મૈયા પિંગળા…. રંગ રેલાવું રાજા મ્હેલમાં મારા, રેલાવું રંગધાર…હો…(૨) દયા કરી મને છોડો ના એકલી…(૨), મારગ બીચ મઝધાર…રાજા ભરથરી… ભેખ રે ઉતારો રાજા ભરથરી… જંગલનાં જોગી તો જંગલમાં શોભે, શોભે નહીં સંસાર…હો…(૨) અલખ નિરંજનની ધૂણી ધખાવી…(૨) થાવા ભવસાગર પાર…મૈયા પિંગળા… ભિક્ષા દે ને મૈયા પિંગળા…. ભિક્ષા દે ને મૈયા પિંગળા, જોગી ઉભો તારે દ્વાર….મૈયા પિંગળા… ભેખ રે ઉતારો રાજા ભરથરી… ભિક્ષા દે ને મૈયા પિંગળા…

રાજા ભરથરીની મૂળ વાર્તા અને ફિલ્મની વાર્તા થોડે ઘણે અંશે જુદી પડે છે. વાર્તા કંઇક આમ છે - રાજા ભર્તુહરિ (આપણે અપભ્રંશ કરી “ભરથરી” કરી નાંખ્યું છે!!) બત્રીસલક્ષણો રાજા છે. સુંદર રીતે રાજ કરે છે. તેના રાજ્યમાં પ્રજા સુખી છે. રાજા પ્રજામાં ખૂબ જ પ્રિય છે. ભર્તુહરિની પત્ની પિંગળા અતિ સુંદર હોય છે. ભર્તુહરિ પિંગળાને ખૂબ જ પ્રેમ કરે છે. રાજ્યનાં કામ-કાજ સિવાયનો મોટાભાગનો સમય રાજા પિંગળા સાથે જ વિતાવે છે. એકવાર રાજ્યમાં એક મહાત્મા આવે છે. રાજાની પ્રજાવત્સલતા અને વહીવટ જોઈ મહાત્મા અત્યંત પ્રસન્ન થાય છે અને રાજાને અમરફળ પ્રદાન કરે છે, કે જે ખાઈને રાજા ‘અમરત્વ’ પ્રાપ્ત કરી શકે. રાજા પિંગળાને બેહદ પ્રેમ કરે છે. તે વિચારે છે કે મારે અમર થઈને શું કરવું છે? પિગળાની અપ્રતિમ અને અનુપમ સુંદરતા શાશ્વત રહેવી જોઈએ. એટલે રાજા આ ફળ ખાતો નથી અને એ લઈને રાણીવાસમાં પિગળા પાસે જઇ તેને આપી દે છે. રાણી પિંગળા ત્યારે ને ત્યારે ફળ ખાતી નથી. તે રાજ્યનાં અશ્વપાળને પ્રેમ કરે છે, અને તેને ચોરી છૂપીથી મળતી હોય છે. પિંગળા એમ વિચારે છે કે હું અમર થઈને શું કરીશ? મારે તો મારા પ્રેમને અમર બનાવવો છે. એટલે પિંગળા એ અમરફળ અશ્વપાળને આપે છે. હવે અશ્વપાળ તરફનો પિંગળાને પ્રેમ એકતરફી છે. વાસ્તવમાં અશ્વપાળ રાજનર્તકીને પ્રેમ કરે છે. એ વિચારે છે કે હું અમર થઈને શું કરુ? રાજનર્તકીની અલૌકિક નૃત્યકલા સદાકાળ રહે તે જ વધુ ઉત્તમ. એટલે તે ફળ રાજનર્તકી પાસે આવે છે. હવે રાજનર્તકી ખૂબ સમજદાર છે. એ પણ ફળ ખાતી નથી અને વિચારે છે કે હું ખરેખર અમર થવા યોગ્ય નથી. અમર તો એ વ્યક્તિ થવી જોઇએ કે સમાજને માટે પોતાનું જીવન ઘસી નાંખે. ઘણો વિચાર કર્યા પછી તેણે નિર્ણય કર્યો કે આ અમરફળ માટે રાજા ભર્તુહરિ સિવાય કોઇ અન્ય યોગ્ય ન હોઈ શકે. બીજા દિવસે સવારે રાજનર્તકી રાજદરબારમાં અમરફળ લઈને આવે છે અને રાજાને આપે છે. રાજા પર જાણે વિજળી પડે છે. તે એક પળ માટે વિચારશૂન્ય થઈ જાય છે. તરત જ તેને આખું ચક્કર સમજાઈ જાય છે અને વૈરાગ્ય આવી જાય છે. તે જ ક્ષણે રાજપાટ ત્યાગી, સંસાર છોડી દે છે અને જોગી-ભિક્ષુકના વેશે મહેલમાં પિંગળા પાસે ભિક્ષા માગવા આવે છે. હવે ભર્તુહરિ સંસારી નથી, રાજા નથી, કોઇનો પતિ નથી, માત્ર સંન્યાસી છે. તે તમામ દુન્યવી સંબંધોને વેગળા મૂકીને આવ્યો છે અને ભિક્ષા માગતી વખતે પિંગળાને “મૈયા” એવું સંબોધન કરે છે. આ પ્રસંગ આ ગીતમાં ફિલ્માવવામાં આવ્યો છે. નોંધઃ ઉપરોક્ત વાર્તા ફિલ્મની નથી, પણ અમુક પુસ્તકોમાં વાંચેલી કે પછી ક્યાંક સાંભળેલી છે. ફિલ્મમાં આ જ વાર્તા કંઈક અલગ રીતે રજૂ થયેલી છે. ફિલ્મની વાર્તા અનુસાર પિગળા બેવફા નથી પણ એક પતિવ્રતા અને સતી સ્ત્રી છે. અને માત્ર સંજોગો અનુસાર રાજા પિંગળા પર શંકા કરી સંસારત્યાગ કરે છે. ફિલ્મમાં ગુરુ ગોરખનાથ અશ્વપાળ સ્વરુપે આવીને રાજાને સંસારથી વિમુખ કરવાના પ્રયત્નો કરે છે. અશ્વપાળનું પાત્ર અરવિંદ ત્રિવેદીએ ભજવ્યું છે. રાજનર્તકીના પાત્રમાં જયશ્રી ટી છે.
Tags: From Tahuko

Post a Comment

0 Comments