કાચમાં રહે છે પારદર્શકતા એમ તમે મારામાં આરપાર રહેતાં
કાચમાં રહે છે પારદર્શકતા એમ તમે મારામાં આરપાર રહેતાં

ફૂટી ગયેલી આરપારતાને વળગીને
તાકતી સપાટીઓ તો અંધ
ડાળમાંથી પાન જેમ ઊગી નીકળે છે
એમ આપણને ઊગ્યો સંબંધ

પાન ને લીલાશ બેઉ વચ્ચેની દૂરતામાં જોજનનાં પૂર હવે વહેતાં
પાન ને લીલાશ બેઉ વચ્ચેની દૂરતામાં જોજનનાં પૂર હવે વહેતાં

આખ્ખા એ પૂરને હું બે કાંઠે ઘૂઘવતી
ઘુમ્મરીની જેમ રે વલોવું
ઘૂમ્યા કરે છે એકધારી ભીનાશ
મને લાગતું ન ક્યાંક મારું હોવું

હોવા વિનાની કોઇ શક્યતામાં ઓગળીને જળનો આકાર તમે લેતાં
હોવા વિનાની કોઇ શક્યતામાં ઓગળીને જળનો આકાર તમે લેતાં

Post a Comment

0 Comments