Translate

આટલું તે વ્હાલ નહીં વેરીએ, ઓ રાધિકા,
શ્યામ ને તે આમ નહીં ઘેરીએ;
બંસીના સૂર જેમ વેરે છે શ્યામ એમ
આઘે રહીને એને હેરીએ!

યમુનાના જળમાં ઝીણા ઝાંઝર સૂણીને ભલે
મોરલીના સૂર મૂંગા થાય;
એને પણ સાન જરી આવે કે રાધાથી
અળગા તે કેમ રહેવાય?

પાસે આવે તો જરા નાચાકોડી મુખ ક્યાંક
સરી જવું સપનાની શેરીએ!
બંસીના સૂર જેમ વેરે છે શ્યામ એમ
આઘે રહીને એને હેરીએ!

ભીતરથી હોય ભલે એનો રે જાપ તોયે
કહેવું કે પીડ નથી કાંઈ;
વિરહની વેદના તે કહેવાની હોય? ભલે
કાળજું આ જાય કંતાઈ!

આંસુથી આંક્યું હોય એનું તે નામ ભલે
વ્હેતી હવાની સૂની લ્હેરીએ!
બંસીના સૂર જેમ વેરે છે શ્યામ એમ
આઘે રહીને એને હેરીએ!

Post a Comment

0 Comments

Skip to main content