એ વિરહને ખણે તો ખણવા દે;
રાતે તારા ગણે તો ગણવા દે.

પ્રશ્ન એનો છે કે પચશે તે,
કાગ મોતી ચણે તો ચણવા દે.

તારી ‘ના’ છો દબાઈ જાતી, એ-
હા મહીં હા, ભણે તો ભણવા દે.

ચાડિયો થઈને પોતે ખેતરનો,
મોલ લીલો લણ તો લણવા દે.

એમ થોડા કબીર થાવાના,
તેઓ ચાદર વણે તો વણવા દે.

મોજથી બેસ બાંકડે છેલ્લે,
એ ભણેશ્રી ભણે તો ભણવા દે.

તું ગઝલ તારી રીતે લખ, તેઓ,
ખુદને ગાલિબ ગણે તો ગણવા દે.

Post a Comment

0 Comments