તું મને ન શોધ ક્યાંય આસપાસમાં
હું તને મળી શકું તારા જ શ્વાસમાં…

ના ભળે સાથે કદી તો ક્યાં ફરક પડે ?
સ્વપ્નમાં સાથે હશું કોઇ પ્રવાસમાં…

સૂર્ય જેમ કોઇનામાં હું સવારથી;
અંધકાર શોધતો રહ્યો ઉજાસમાં…

માર્ગમાં કોઇક તો ભૂલું પડ્યું હશે;
નીકળ્યો હશે પછી પવન તપાસમાં…

તું મથામણો કરી ગઝલ લખી તો જો !
હું તને મળી જઇશ કોઇ પ્રાસમાં…

- અંકિત ત્રિવેદી

Post a Comment

0 Comments