Translate

ફાગણની કાળઝાળ સુક્કી વેળામાં તારું પહેલા વરસાદ સમું આવવું
હવે આંખોને કેમ રે ભુલાવવું

બળતે બપ્પોર ભીનો પગરવ સૂણીને
કાંઈ વાસ્યા કમાડ અમે ખોલ્યાં
ચારે આંખોના એવાં અંધાર્યા વાદળાં
કે શમણે આવેલ મોર બોલ્યા

ઓચિંતા ધોધમાર સામસામે આપણે ઊભાં રહ્યાંનું પૂર આવવું

ફળિયે પલાશ ફૂલ નીતરતું ઝાડ
અને હું રે વેરાઈ જઉં રાનમાં
મારી હથેળીમાંય એવી રેખાઓ
જેવી રેખાઓ ખાખરાના પાનમાં

લીંબોળી વાવીને છાંયડા ઊછેરું પણ ચોમાસું કેમ કરી વાવવું?

ફાગણની કાળઝાળ બળતી વેળામાં તારું પહેલા વરસાદ સમું આવવું
હવે આંખોને કેમ રે ભુલાવવું

Post a Comment

0 Comments

Skip to main content