નવ કરશો કોઇ શોક - રસિકડાં, નવ કરશો કોઇ શોક - ટેક.
યથાશક્તિ રસપાન કરાવ્યું, સેવા કીધી બનતી - રસિકડાં.
પ્રેમી અંશને રુદન આવશે, શઠ હરખાશે મનથી - રસિકડાં.
મર્મ ન સમજે બકે શંખ શઠ, વાંકું ભણે બહુ પણથી - રસિકડાં
એક પીડમાં બીજી ચ્હીડથી, જળશે જીવ અગનથી - રસિકડાં.
હતો દુખિયો થયો સુખિયો, સમજો છૂટ્યો રણથી - રસિકડાં.
મુઓ હું ત્હમે પણ વળી મરશો, મુક્ત થશો જગતમાંથી - રસિકડાં.
હરિકૃપાથી મમ લેખ ચિત્રથી, જીવતો છઉં હું દમથી - રસિકડાં.
વીર સત્યને રસિક ટેકીપણું, અરિ પણ ગાશે દિલથી - રસિકડાં
જુદાઇ દુઃખ તે નથી જ જવાનું, જાયે માત્ર મરણથી - રસિકડાં
મરણ પ્રેમીને ખચિત મોડું છે દુઃખ વધે જ રુદનથી - રસિકડાં
જગતનીમ છે જનમ મરણનો, દ્રઢ રહેજો હિંમતથી - રસિકડાં
મ્હને વિસારી રામ સમરજો, સુખી થશો તે લતથી - રસિકડાં

- કવિ નર્મદ

Post a Comment

0 Comments