Translate

મારે વણખૂલ્યા હોઠની કહેવી છે વાત,
મારા થંભ્યા હિંડોળાને ઝૂલવું રળિયાત

ફૂલોના આંસુઓ લૂછે પતંગિયા
ભમરા તો રસમાં ચકચૂર;
પાંપણના ઝાકળને સૂરજની ઝંખના
ને આંખો તો સ્વપ્ને ભરપૂર

મારે વણખીલી કળીઓની કરવી છે વાત
મારે વણખૂલ્યા હોઠની કહેવી છે વાત,

રાધાની વેદનાનાં જંગલ ઊગ્યાં
ને એમાં રઝળે છે મોરલી ના સૂર,
આંખ અને આંસુને ઝીણો સંબંધ
કે કોઇ પાસે નથી ને નથી દૂર.

મારે મનગમતા સગપણની કરવી છે વાત
મારે વણખૂલ્યા હોઠની કહેવી છે વાત,

મૂંગા પારેવડાનો છાનો ફફડાટ
અહીં જગવે છે કેવું તોફાન!
વણગાયા ગીતનો ટહુકો ઊડે
અને ભૂલું છે કહાન સાનભાન !

હું તો ઘેનમાં ડૂબું અને વીતે છે રાત
મારે વણખૂલ્યા હોઠની કહેવી છે વાત,

Post a Comment

0 Comments

Skip to main content